Saturday, 27 January 2024

ગુજરાતી સુલેખન 9

 1

          રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહા મહિનાની વદ ચૌદશના દિવસે એટલે કે મહાશિવરાત્રીના રોજ થયો હતો. ઈ. સ. 1884ના ફેબ્રુઆરી મહિનાની પચીસમી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતુશ્રીનું નામ નાથીબા હતું. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવીચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. દીનદુઃખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું. બાળપણથી જ એ ઘરનાં નાનાંમોટાં કામોમાં મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા ને હોંશથી એ કામમાં જોતરાઈ પણ જતા. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનપ નહિ.

2
       એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણકાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો. બસ, એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડયું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, ‘મંદિરમાં એકસરખી આ બે મૂર્તિઓની જરૂર છે ?’

3
          પરદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી.
4

          દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતાં જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડયો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખાં મારતા હતા ત્યારે મહારાજે ગામડે-ગામડે ફરી, દિવસરાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યાં. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને ‘બોરિંગવાળા મહારાજ'ના નામે ઓળખાવા લાગ્યા હતા.
5
            ઈ. સ. 1922માં એમને પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થઈ ગયો. છિપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા, ત્યાં રસ્તામાં જ બહારવટિયા ભેટી ગયા. કાચોપોચો માણસ હોય તો છાતીનાં પાટિયાં બેસી જ જાય પણ આ તો મહારાજ, નરી નિર્ભયતાની મૂર્તિ ! એમણે તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી. બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ ‘સાચું બહારવટું' ખેડવા સમજાવ્યું. પછી તો મહારાજે કોતરોમાં ભમીભમી અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને 'માણસાઈના દીવા' કહ્યા હતા.
6
           એવામાં કુદરતને કરવું તે કહળસંગના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે. કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની હાટે વંચાવા જવું પડતું. ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.' ગામ આખું અંગૂઠાછાપ એટલે હરખચંદનો ભાવ પૂછાય. કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય કે સારા—ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરખચંદ શરમના માર્યા કામ કરી દેતા.

No comments:

Post a Comment