1) સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય .
આ પંક્તિમાં પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે.
આપણા જીવનમાં સફળતા મેળવવા માટે આપણે સખત મહેનત કરવાની જરૂર છે. મહેનતનાં ફળ મીઠાં લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે
પરિશ્રમ એ જ પારસમણિ છે. પરિશ્રમ કરનારને પ્રારબ્ધ પણ યારી આપે છે. ઊંચા મનોરથ સેવવા માત્રથી આપણને સફળતા મળતી નથી. ધીરજ અને ખંત રાખીને આપણે મહેનત કરતાં રહીશું તો આપણને આપણા કાર્યમાં સફળતા મળશે જ. એટલે એક સંસ્કૃત સુભાષિતમાં સાચું · કહેવાયું છે કે, ‘ઉદ્યમથી જ કાર્યસિદ્ધિ મળે છે; મનોરથો સેવવાથી નહિ.'
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः I
नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।
2) સિંહને શસ્ત્ર શાં? વીરને મૃત્યુ શાં?
આ ઉક્તિમાં વીરતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. સિંહને કદી તે શસ્ત્રની જરૂર પડતી નથી. તે જ રીતે વીરને મૃત્યુનો ડર હોતો નથી.
સિંહ વનનો રાજા ગણાય છે. स्वयमेव मृगेन्द्रता અર્થાત્ સિંહ પોતાની શક્તિને લીધે જ વનનો રાજા થયો છે. તે બીજાની શક્તિ પર ક્યારેય આધાર રાખતો નથી. તેને શસ્ત્રોની જરૂર પડતી નથી. તે પોતાની શક્તિ વડે ગમે તેવા હિંસક પ્રાણીને, વાઘને કે મદમસ્ત હાથીને પરાસ્ત કરી શકે છે. એ જ રીતે વીરપુરુષ મૃત્યુનો ડર રાખ્યા વિના ઘમસાણ યુદ્ધમાં ઝંપલાવે છે અને બહાદુરીપૂર્વક લડે છે તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ રણમેદાન છોડીને ભાગી જતો નથી.
આપણે આપણી શક્તિ પર જ આધાર રાખવો જોઈએ. આપણે મૃત્યુનો ર રાખ્યા વિના વીરતાપૂર્વક જીવવું જોઈએ.
3.સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે.
આપણે આપણા જીવનમાં આવતાં સુખ અને દુઃખ વહેંચવાં જોઈએ. એટલે આનંદ. આપણે વર્ષગાંઠ, લગ્ન, પરીક્ષામાં આપણને મળેલી સારી સફળતા જેવા આનંદના પ્રસંગો આપણાં સગાંસંબંધીઓ અને મિત્રો સાથે મળીને ઊજવવાં જોઈએ. એ જ રીતે આપણે આપણા જીવનમાં આવતાં મૃત્યુ, બીમારી, – કસ્માત વગેરે પ્રસંગોએ પણ સગાંસંબંધીઓ અને મિત્રોને સાથે રાખવાં જોઈએ. આમ કરવાથી આપણને આશ્વાસન મળે છે, આપણને મદદ મળે છે, આપણું દુઃખ હળવું થાય છે.
આપણે આપણા મિત્રો અને સગાંસંબંધીઓના સુખના જ સાથી ન બનીએ પણ તેમના દુઃખમાં પણ સહભાગી બનીએ. સુખ વહેંચવાથી અને દુઃખ વહેંચતાં રહેવામાં જ સૌનું ક્લ્યાણ છે. સુખ વહેંચવાથી તેનો આનંદ અનેકગણો થઈ જાય છે. આ બાબતને સ્પષ્ટ કરતાં કવિશ્રી મકરંદ દવે લખે છેઃ
‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ.’
4) પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી,
હું માનવી માનવ થાઉં તો ઘણું.આપણે માનવી તરીકે જન્મ્યા છીએ તો સાચા માનવ બનીએ. મહાન સિદ્ધિ હાંસલ કરવી એ મનુષ્યના હાથની વાત નથી. બધા માનવીઓ મહાસિદ્ધિ મેળવી શકતા નથી. પરંતુ “માનવ’ થવું એ માનવીના હાથની વાત છે.
મહાસિદ્ધિ હાંસલ કરનારા માનવીમાં પણ જો દયા, પ્રેમ, ઉદારતા, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા અને સેવાભાવના જેવા, સાચા માનવના ગુણો ન હોય તો તે ખરો માનવ’ નથી. મનુષ્ય ભલે દાક્તર બને, વકીલ બને, ઇજનેર બને કે વિજ્ઞાની બને, પરંતુ તે “માનવ’ ન બને તો તેની કિંમત એકડા વિનાના મીંડા જેવી છે.
આપણે સાચા માનવ બનીને ધરતીમાતાનું ઋણ ચૂકવીએ.
5) મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય;
સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય.ઢાલ યુદ્ધમાં લડવૈયાનું રક્ષણ કરે છે; પરંતુ લડવૈયા પર કોઈ પ્રહાર કરે ત્યારે જ ઢાલ આગળ આવે છે. એ સિવાય એ પીઠ પાછળ પડી રહે છે. મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ, જે સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે, આપણને મદદરૂપ થાય.માત્ર સુખમાં સાથ આપનાર અને દુઃખ આવી પડે ત્યારે દૂર રહેનાર મિત્રો તો ઘણા મળી આવે છે. એમને સાચા મિત્રો કહી શકાય નહિ. જે દુઃખમાં સાથ આપે અને મદદ કરે એ જ સાચો મિત્ર.
No comments:
Post a Comment