મુદ્દા પરથી વાર્તાલેખન
(3)
એક સિંહ – વૃક્ષ નીચે આરામ કરવો – સિંહના શરીર પર ઉંદરનું દોડવું – ઉંદરનું પકડાઈ જવું – ઉંદરની સિંહને વિનંતી અને મદદ કરવાનું વચન -સિહે ઉંદરને છોડી મૂકવો – એક વાર સિંહનું જાળમાં ફસાવું – ઉંદરે જાળ કાપી નાખી સિંહને મુક્ત કરવો – બોધ.
-------
સિંહ અને ઉંદર
------
એક ગાઢ જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. શિયાળાનો દિવસ હતો. સિંહ તેની બોડ પાસે એક ઝાડ નીચે આરામ કરતો હતો. ઝાડ પાસે ઉંદરનું દર હતું. દરમાંથી એક ઉંદર બહાર આવ્યો અને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. સિંહ જાગી ગયો. ઉંદર સિંહના પંજામાં પકડાઈ ગયો.
ઉંદર ગભરાઈ ગયો. તે થરથર ધ્રુજવા લાગ્યો. ઉંદરે સિંહને વિનંતી કરીને કહ્યું, “હે વનરાજ, મારી ભૂલ થઈ. મને માફ કરો. મને છોડી મૂકો. હવે હું કદી તમારા શરીર પર નહિ દોડું. હું તમને ક્યારેક જરૂર મદદ કરીશ.”સિંહ હસ્યો. તે મનમાં બોલ્યો, “આ ઉંદર મને શી મદદ કરવાનો છે?”પરંતુ સિંહને દયા આવી. તેણે ઉંદરને છોડી મૂક્યો.
થોડા દિવસ પછીની વાત છે. એક શિકારી જંગલમાં આવ્યો. તે સિંહની બોડ પાસેના ઝાડ પર બેઠો. સિંહ બોડમાંથી બહાર આવ્યો અને ઝાડ નીચે બેઠો. તરત જ શિકારીએ સિંહ પર જાળ ફેંકી. સિંહ જાળમાં ફસાઈ ગયો. તેણે ત્રાડ પાડી અને જાળમાંથી છૂટવા ધમપછાડા કર્યા, પણ વ્યર્થ.
સિંહની ત્રાડ સાંભળી દરમાંથી ઉંદર બહાર દોડી આવ્યો. તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો. તરત જ તે બીજા ઉંદરોને બોલાવી લાવ્યો. બધા ઉંદરોએ મળીને જાળ કાપી નાખી. સિંહ જાળમાંથી મુક્ત થયો.સિંહે બધા ઉંદરોનો આભાર માન્યો. શિકારી નિરાશ થઈ ચાલતો થયો.
બોધ= જે કામ નાના કરી શકે છે તે કામ મોટા કરી શકતા નથી. માટે સૌને આદર આપવો. કોઈનું અપમાન કરવું નહિ.
No comments:
Post a Comment