Saturday, 7 January 2023

જેવા સાથે તેવા

મુદ્દા પરથી વાર્તાલેખન 

(4)  

           એક લુચ્ચો દુકાનદાર -કરિયાણાની દુકાન - એક ગ્રાહક - ખાંડ ખરીદવી - દુકાનદારનું ઓછું તોલવું - ગ્રાહકની ફરિયાદ -દુકાનદારનો જવાબ, “વધારે ઊંચકવું નહિ પડે.” - ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા - દુકાનદારે પૂરા પૈસા માગવા-ગ્રાહકનો જવાબ પૈસા વધારે ગણવા નહિ પડે.” -બોધ.

------

જેવા સાથે તેવા

            એક દુકાનદાર હતો. તેને કરિયાણાની દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ગ્રાહકોને છેતરતો. તે ઓછું તોલતો અને વધારે કિંમત પડાવતો.

         એક દિવસ એક ગ્રાહક આવ્યો. તેણે બે કિલો ખાંડ તોલી આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું.ગ્રાહકે દુકાનદારને કહ્યું, “ભાઈ, તમે ખાંડ ઓછી તોલી છે. વજન બરાબર કરોને.”ગ્રાહકની ફરિયાદ સાંભળી દુકાનદાર લુચ્ચું હસ્યો અને બોલ્યો, કે “ભાઈ, તારે વધારે વજન ઊંચકવું નહિ પડે.”

         ગ્રાહક પણ તેના માથાનો હતો. તેણે દુકાનદારને પાઠ ભણાવવા નું  મનોમન વિચાર્યું. તેણે દુકાનદારને ઓછા પૈસા ચૂકવ્યા.દુકાનદારે પૈસા ગણ્યા તો ઓછા હતા. તેણે ગ્રાહકને કહ્યું, “ભાઈ, તેં મને ઓછા પૈસા ચૂકવ્યા છે.”ગ્રાહકે રોકડું પરખાવ્યું.ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહિ પડે.” 

          દુકાનદાર ચૂપ થઈ ગયો. ગ્રાહક ચાલતો થયો. 

બોધ- જેવા સાથે તેવા થવું પડે.


No comments:

Post a Comment