Friday, 2 February 2024

ગુજરાતી સુલેખન 4


 1

          ગીરના જંગલને અડીને, જૂનાગઢથી આશરે પચીસ ગાઉ દૂર અને સાસણગીરથી આશરે છ ગાઉ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. નદીને કાંઠે બબ્બે માથોડાં ઊંચી ભેખડો છે. નદીનાં વાંસજાળ પાણીમાં મગર શેલારા મારે છે. સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રા વાળા નામે દરબાર રહે. નદીને કાંઠે માત્રા વાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે.

2

           ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. લોકો લણણીના કામે લાગ્યા છે. આવા એક દિવસે, નમતા બપોરે દરબાર માત્રા વાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે. એકાએક દરબારની નજર નદીના ઘૂના પર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે. બેપરવાઈથી ચાલ્યા આવતાં આ રાજા-રાણીને દરબાર જોઈ રહ્યા. સિંહ અને સિંહણ પાણી પીવા ઊતર્યાં; પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડકાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી, પણ એની કારી ફાવી નહિ. મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ-પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકૂરમાં બેસી ગયો.

3

        દરબાર માત્રા વાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઊઠ્યું. જ્યાં સિંહ પડ્યો હતો, ત્યાં જવા એ ઊભા થયા. ગામલોકોએ એમને વાર્યા, પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહિ. નદીની ઊંચી-ઊંચી ભેખડો ઊતરીને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહનાં જખમ સાફ કર્યાં, વનસ્પતિનાં પાંદડાં વાટી જખમ પર પાટા બાંધ્યા, સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. થોડીવારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા-ચાકરી કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મીંચીને પડ્યો રહ્યો.

4

        એક વાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઇરાદે ચોર ઘૂસ્યા. દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. એક-બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા.

5

       ધનપાલ શેઠનું નામ દૂર-દૂર સુધી જાણીતું હતું. દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો. એમને આંગણે લક્ષ્મીની છોળો ઊછળતી હતી. ઘરમાં ખરચતાં ખૂટે નહિ, તેટલું ધન હતું. આમ છતાં શેઠ ગણતરીવાળા હતા. એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય, તો અઢળક ધન પણ ખૂટી જાય.


No comments:

Post a Comment